જય સચ્ચિદાનંદ મિત્રો !
તમે ચમત્કાર વિશે તો સાંભળ્યું જ હશે. અને કદાચ કોઈએ ચમત્કાર જોયા પણ હશે. જેમ કે કોઈને ‘માતાજી’ આવે, કોઈના હાથમાંથી લાલ કંકુની વહે, હવામાંથી વસ્તુઓ લાવે, વિગેરે. એવી જ રીતે ક્યારેક તમે કોઈ જાદુગરથી પણ અંજાઈ ગયા હશો.
તમને પ્રશ્ન થતો હશે કે, ચમત્કાર શું છે ?
ચમત્કાર એટલે એવી કોઈ પ્રક્રિયા જે બીજું કોઈ જ વ્યક્તિ ન કરી શકે.
દાદાશ્રી કહે છે કે, “ચમત્કાર કરવો એટલે કે બીજાને મૂરખ બનાવવા ! જયારે આપણને કોઈ વસ્તુ પાછળના કારણ ન ખબર હોય, તો આપણે તેને ચમત્કાર કહીએ છીએ. પણ ખરેખર એ શું છે ? એ ફક્ત વિજ્ઞાન જ છે. સાધારણ લોકોને જે વિજ્ઞાનની ખબર ન હોય, તેને ચમત્કાર તરીકે બતાડીને તેમને મૂરખ બનાવે છે. ચમત્કાર જેવું ખરેખર કશું હોતું જ નથી એ વાત બરાબર સમજી લેવી. નાના પ્રકારના સાદા ચમત્કારને જાદુ કહે છે.”

દાદાશ્રી કહે છે કે, ચમત્કાર એ અંધશ્રધ્ધા છે. એટલે જે કોઈ વ્યક્તિ એવું કહે કે હું ચમત્કાર કરું છું, તો એ પોતે પણ અંધશ્રદ્ધાનો શિકાર જ હોય છે. એ પોતાની જાતને જ છેતરે છે પણ તેને સમજાતું નથી. એટલે મિત્રો, ચમત્કારનું કોઈ મહત્વ આપણા જીવનમાં ન હોવું જોઈએ.
કોઈ વ્યક્તિ જ્યારે ચમત્કાર કરે ત્યારે ખરેખર શું થતું હોય છે ?

ચમત્કાર કરે એ વ્યક્તિ ખરેખર તો પોતાની મહત્વતા (કિંમત) વધારવા જાય છે. પછી એ લોકોનો ખોટી રીતે ફાયદો લે, તેમને છેતરે છે. અને જે લોકોને કંઈક લાલચ હોય, તે બધાં ફસાય.
દોસ્તો, આપણે કોઈ પણ લાલચથી આવા ચમત્કારની જાળમાં નથી ફસાવું. હવેથી, ક્યારેય પણ તમે આવા ચમત્કાર જુઓ, તો દાદાશ્રીએ કહેલા સિક્રેટ્સ યાદ રાખજો અને ચેતજો.