જય સચ્ચિદાનંદ મિત્રો!
આપણે બધાં જ દિવાળી વેકેશનની રાહ જોઈએ – મસ્ત મસ્ત ખાવાનું, મનગમતી મીઠાઈઓ, આખા ઘરમાં દીવડા પ્રગટાવવાના, રંગોળીઓ કરવાની અને પપ્પા મમ્મી પાસેથી નવી નવી ગીફ્ટ મેળવવા માટે આપણે કેટલા આતૂર હોઈએ, બરાબર ને !? પણ શું દિવાળીમાં આટલું જ કરવાનું, આ જ કારણથી ઉજવાય? શું દિવાળીનું આધ્યાત્મિક મહત્વ જાણવાની ઈચ્છા થાય છે?
દિવાળી તો એક બહુ જ મહત્વનો ભારતીય તહેવાર છે જેમાં હિંદુના નવા વર્ષની શરૂઆત અને પાછલા વર્ષનો અંત આવે છે. દિવાળીના ૫ દિવસ – ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ (નવું વર્ષ) અને ભાઈ બીજ, ખૂબ જ ધામ ધૂમથી ઉજવાય છે.

ઈતિહાસ કહે છે:
• દિવાળી એ ખેતીના અંતે ઉગેલી ફસલની લણણીની ઊજવણી માટેનો તહેવાર હતો.
• આ દિવસે રામ ભગવાન ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યા આવ્યા હતા. ત્યારે લોકોએ પોતાના ઘરને શણગાર્યા અને ઘરના આંગણે દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું .
• ધંધામાં નવા વર્ષનો પ્રારંભ પણ દિવાળીના દિવસથી જ થાય.
• દિવાળીનો પર્વ, અજ્ઞાન રૂપી “ક્રોધ માન માયા અને લોભ” પર ‘જ્ઞાન’ ના વિજય તરીકે ઊજવાય છે.
ધનતેરસ
• દિવાળીના પર્વના ૫ દિવસમાં આ પહેલો દિવસ છે.
• ધન એટલે કે સંપત્તિ અને તેરસ એ મહિનાનો ૧૩મો દિવસ છે.
• આ દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે જેથી ઘરમાં શાંતિ રહે. લક્ષ્મી દેવી એ ધન અને સમૃદ્ધિના દેવી છે. માતા લક્ષ્મીના કાયદાનો એક કાયદો એવો છે કે, ખોટું કામ કરીને પૈસા લેવા કે કમાવવા ના જોઈએ.

કાળી ચૌદશ
• દિવાળીનો આ બીજો દિવસ છે જેને છોટી દિવાળી પણ કહેવાય છે.
• આ દિવસે આપણા જીવનમાંથી આળસ અને અજ્ઞાન દૂર થાય અને સાચા જ્ઞાનના પ્રકાશથી આપણા જીવનમાં ઉજાસ ફેલાય.
• આપણી પૌરાણિક કથાઓ પ્રમાણે આ દિવસે શ્રી કૃષ્ણ અને મહાકાળી માતાએ, નરકાસુર નામના રાક્ષસને માર્યો હતો.
દિવાળી
• આપણી હિંદુ સંસ્કૃતિ પ્રમાણે દિવાળી એ આપણા વર્ષમાં એટલે કે ૩૬૦ દિવસના વર્ષમાં છેલ્લો દિવસ છે. આધ્યાત્મિક પૂર્ણ દશા એટલે ૩૬૦ ડીગ્રી.
• આ પવિત્ર દિવસે ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ (મોક્ષ) પામ્યા હતા અને તેમના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું હતું.

બેસતું વર્ષ (નવું વર્ષ)
• આપણી હિંદુ સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ છે.
• દાદા ભગવાન વર્ષના ૩ દિવસ પૂર્ણ દશામાં હોય – ગુરુ પૂર્ણિમા, બેસતું વર્ષ અને જન્મ જયંતી. આ દિવસોમાં આપણે દાદા પાસેથી શક્તિઓ માંગવી જોઈએ કે આધ્યાત્મિક વિજ્ઞાન પૂરે પૂરું સમજી શકીએ અને એવો નિશ્ચય કરવો જોઈએ કે ‘આજથી હું મારા મન વચન કે કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ નહીં આપું.”
• અડાલજ ત્રિમંદિરમાં દર વર્ષે આ દિવસે અન્નકૂટ યોજાય છે. આ અન્નકૂટ એ ગોવર્ધન પૂજાનું પ્રતીક છે. અન્નકૂટનો પ્રસાદ શ્રી કૃષ્ણ ભગવાનને ધરાવ્યા પછી બધાં દર્શનાર્થીઓને અપાય છે.

ભાઈ બીજ
- દિવાળીના આ છેલ્લા દિવસે ભાઈ અને બહેનના પ્રેમની ઊજવણી થાય છે. બહેન પોતાના ભાઈની રક્ષા અને સલામતી માટે પૂજા કરે છે.
Related links
Special video - દિવાળી
Moral story - દિવાળી વિથ ડિફરન્સ
Mythological story - દિવાળીનું મહત્ત્વ