દોસ્તો, વિજ્ઞાનનો ક્લાસ તો આપણે બધા જ સ્કુલમાં ભરીએ છે, બરાબર ને! અમુકને આ વિષય બહુ જ ગમતો હશે અને અમુકને જરા પણ નહિ! હેં ને! પણ વિચારી જુઓ કે, એવું કંઈ વિજ્ઞાન હોય જે બધાને જ ગમે તો !! એવું વિજ્ઞાન કે જેનાથી આપણા બધા જ દુઃખોના સોલ્યુશન આવી જાય. આવો આજે એવા અક્રમ વિજ્ઞાન વિષે જાણીએ.
વિજ્ઞાનની વાતો કરીએ છીએ તો આવો એક પ્રયોગ કરીએ. આપણે અમદાવાદથી મુંબઈ જવું હોય, તો ગાડીમાં જવાય અથવા પ્લેનમાં જવાય. ગાડીમાં જતા આખો દિવસ લાગી શકે પણ પ્લેનમાં તો એક જ કલાકમાં પહોંચી જવાય.
આજની આધુનિક દુનિયામાં, આપણે બધા જ પ્લેન પસંદ કરીએ ને ? કારણકે આપણે તો જેમ બને એમ જલ્દી મુંબઈ પહોચવું હોય ને!
અક્રમ વિજ્ઞાન શું છે :
૧. એવું એક આધ્યાત્મિક વિજ્ઞાન જે એકદમ પ્રેક્ટીકલ પણ છે.
૨. સાચી સમજણ પર આધારિત વિજ્ઞાન જેમાં કારણ-કાર્ય (એટલે કે કર્મો) અને કાયમનું સુખ મેળવાના રસ્તા છે.
૩. મોક્ષનો એક 'શોર્ટ-કટ' રસ્તો છે.
૪. આજના આધુનિક જમાના માટે એકદમ ઝટપટ અને યોગ્ય વિજ્ઞાન છે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે,"આ અક્રમ વિજ્ઞાન એ આ વર્લ્ડનું અગિયારમું આશ્ચર્ય છે. મહાવીર ભગવાન સુધી દસ થઈ ગયા છે, આ અગિયારમું આશ્ચર્ય છે. કલાકમાં પરમેનન્ટ (કાયમી) શાંતિ અને એક અવતાર પછી મોક્ષ થાય.
હવે એક બીજો દાખલો જોઈશું. કોઈ પણ જગ્યા પર પહોંચવા માટે બે રસ્તા હોય - એક રસ્તે બહુ બધા પગથિયા હોય અને બીજો રસ્તો લીફ્ટ વડે આપણને આપણી મંઝિલ પાસે લઇ જતો હોય તો તમે કયો રસ્તો પસંદ કરશો ?
શાસ્ત્રોમાં મોક્ષે જવાના બે માર્ગ કહ્યા છે. એક ક્રમિક અને એક અક્રમ. ક્રમિક માર્ગ પગથિયા જેવો છે, એક પછી એક પગથિયા ચડતા ચડતા મંઝિલ પર પહોંચાડે. અક્રમ માર્ગએ લીફ્ટ જેવો છે. એના થકી કાયમની શાંતિ અને સુખ એકદમ સરળતાથી અને સહેલાઈથી મળી જાય છે.
દાદાશ્રી એક અદ્ભુત વૈજ્ઞાનિક છે. તેમણે અનેક મૂંઝવણોના સરળ અને પ્રેક્ટીકલ ઉપાયો આપ્યો છે. આ બધા ઉપાયોને સમજીને આપણા જીવનમાં વાપરીએ, તો સરસ અને સુખી (મતભેદ વગરનું) જીવન જીવી શકાય એમ છે.
અક્રમ વિજ્ઞાનમાં જીવનના દરેક મતભેદ અને મુંઝવણને ઉકેલવાની સાચી સમજણ મળે છે. અને એનાથી જ આપણે કાયમનું સુખ મેળવી શકીએ છે.