જુઠું બોલવાના પરિણામો

જય સચ્ચિદાનંદ મિત્રો! 
તમે જીવનમાં ક્યારેય ખોટું બોલ્યા છો? કોણે ના બોલ્યું હોય !? મમ્મી પૂછે કે,“સ્કૂલેથી આવતા કેમ મોડું થયું ?” ત્યારે સાચું બોલવાને બદલે એવો જવાબ આપો કે, “હું મારું હોમવર્ક પતાવતો હતો” પણ સાચે તો “ફ્રેન્ડ જોડે વાતો કરી” એવું કહેવું જોઈએ. આવું ઘણી બધી વખત બને. તમને એવું લાગે છે કે, જુઠું ન બોલવું હોય, તો પણ બોલાઈ જાય છે. શું એવું ઘણી વખત બન્યું છે? ક્યારેય તમે જુઠું બોલતા પકડાયા છો?  

કોઈ જુઠું કેમ બોલે છે? 
દાદાશ્રી કહે છે કે, આની પાછળના કારણ આવા હોઈ શકે: 
1.    બીજા શું કહેશે એવો છુપો ડર 
2.    પોતાની માટે કંઈક મેળવવાની લાલચ (સ્વાર્થના કારણે) 
પછી એમ કરતાં કરતાં જુઠું બોલવાની ટેવ પડી જાય.  
દાદાશ્રી કહે છે કે, જુઠું બોલવાનો ભાવ એ જ કર્મ બંધાવે, પછી ભલે ને છેવટે તો જુઠું ના બોલે તોય. આજે જુઠું બોલીએ એનું ફળ આવતા ભવે મળે. એટલે આપણે એવો જ ભાવ રાખવાનો કે જુઠું નથી જ બોલવું.

જુઠું બોલવાના પરિણામો: 
1.    બીજાનો વિશ્વાસ ખોઈ બેસીએ અને જ્યારે લોકોનો વિશ્વાસ ઊડી જાય ત્યારે આપણી કિંમત ના રહે. કોઈ આપણી વાત ના માને.
2.    કોઈ આપણને જુઠું બોલે અને એ આપણને ખબર પડે, તો દુઃખ થાય ને! એટલે આપણે સમજવું જોઈએ કે આપણે કોઈને જુઠું બોલીએ તો એને પણ દુઃખ થશે. 
3.    એક જુઠાણું છુપાવવા બીજું બોલવું પડે. એમ વધતું જાય.
4.    જ્યારે જુઠું બોલીએ ત્યારે બેચેની અને પકડાઈ જવાનો ભય રહ્યા કરે.

5. કોઈ પોતાના સ્વાર્થ માટે જુઠું બોલીને બીજાને છેતરે એને આવતે ભવ જાનવરનો ભવ મળે.
6.    જે લોકો જન્મથી જ મૂંગા હોય છે, તેમને કુદરતે પૂર્વ ભવમાં જુઠું બોલવાની સજા આપી છે. 
જ્યારે સારા પુણ્ય કર્મો ચાલતા હોય, ત્યારે જુઠું બોલીએ તોય કદાચ ન પકડાઈએ પણ આવતે ભવ એનું ફળ આવે જ. અને એ આવતા ભવે આપણે ભલે સાચું બોલતા હોઈએ, તોય આપણને ખોટા કહે અને ત્યારે આપણને બહુ દુઃખ થાય.

જુઠું બોલવાની આદતથી કેવી રીતે છુટાય ?

જ્યારે જુઠું બોલાઈ જાય, પછી ખ્યાલ આવે કે આવું થઈ ગયું, તો તરત જ નક્કી કરવાનું કે “હવેથી હું જુઠું નહીં બોલું. જુઠું બોલવું એ મોટો ગુનો છે. ખોટું છે. એનાથી બહુ દુઃખ આવે અને બંધનમાં ફસાઈએ.”  તમારો મત એવો જ હોવો જોઈએ કે જુઠું બોલવું એ ખોટું છે.  જો તમારો એવો મત નથી કે જુઠું બોલવું જોઈએ, તો તમારી જવાબદારી પૂરી. એટલે, જુઠું બોલવાનો અભિપ્રાય બદલો.
અને તમને ખ્યાલ આવે કે મારાથી જુઠું બોલાઈ ગયું, તો તરત જ ‘દાદા’ પાસે માફી માંગવાની કે “દાદા, મારે જુઠું નથી બોલવું છતાં બોલાઈ ગયું. મને માફ કરો અને ક્યારેય જુઠું ન બોલું એવી શક્તિ આપો.” 
જેને જુઠું બોલવાની ટેવ હોય તેણે તરત જ માફી માંગી લેવાની ટેવ પણ રાખવી જોઈએ. તો એની જવાબદારી ના રહે. એટલે હવેથી જયારે પણ જુઠું બોલાય ત્યારે તરત જ મનમાં માફી માંગવાની. 

Related Link:

Moral Story- Should I lie or not?

Article- Honesty

Moral storyHonesty

 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...