શું તમે જાણો છો કે પ્રેમ શું હોય ? આપણે હંમેશા એવું કહીએ છીએ કે હું મારા મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનને પ્રેમ કરું છું, પણ એ કેટલું ટકે છે ? મમ્મી તમારું ભાવતું ખાવાનું ન બનાવે ત્યારે શું થાય ? પપ્પા તમારી ગમતી ગેમ કે રમકડું ન લાવી આપે ત્યારે ? જ્યારે તમારો નાનો ભાઈ તમારી ફેવરીટ પેન ખોઈ નાખે ત્યારે ? તમારી બેન તમારે વાંચવી હોય એવી કોઈ ચોપડી લઈ લે ત્યારે શું થાય ?
શું આપણો પ્રેમ આટલો જ ચાલે ? ખાલી આપણી બધી ઈચ્છાઓ અને જીદ પૂરી થાય ત્યાં સુધી જ ? શું આ ખરેખર પ્રેમ છે ? ચાલો આપણે સાચા પ્રેમનો આર્થ સમજીએ...
દાદાજી કહે છે કે, સાચો પ્રેમ વધે નહીં અને ઘટે પણે નહીં. જ્યારે પ્રેમમાં અપેક્ષાઓ હોય, કે મમ્મી મારી માટે આવું કરે, પપ્પા મને આવું લાવી આપે, તેને સાચો પ્રેમ ન કહેવાય.
સાચો પ્રેમ કેવી રીતે કરાય:
· આપણો પ્રેમ આખા જગતના જીવમાત્ર માટે એક સરખો રહેવો જોઈએ. કોઈ આપણું ખૂબ અપમાન કરે કે પછી આપણાં બહુ વખાણ કરે, તોય એ બંને માટે પ્રેમ સરખો જ રહેવો જોઈએ.
· બીજાની ભૂલો નહીં જોવાની.
· આપણે કોઈ અપેક્ષા નહીં રાખવાની - જેમ કે જ્યારે તમારો કોઈ ફ્રેન્ડ તમને એની કોઈ પાર્ટીમાં ન બોલાવે, તો તેની સાથે બોલવાનું બંધ કરી દો, એવું નહીં કરવાનું.
· સ્વાર્થી નહીં થવાનું - આપણી વસ્તુ બીજા સાથે ‘શેર’ કરવાની.
· ભેદ નહીં રાખવાનો - મારું-તારું નહીં કરવાનું.

એક નાના છોકરાએ એની દીદીને પૂછ્યું કે, “દીદી, પ્રેમ શું હોય ?” દીદી બોલી “જો, રોજ તું મારી બેગમાંથી મને પૂછ્યા વગર ચોકલેટ લઈ લે છે, તોય હું રોજ તારી માટે મારી બેગમાં ચોકલેટ રાખું છું. એ પ્રેમ છે.”

સાચો પ્રેમ કેળવવા માટે પહેલા આપણે પોતાની બધી જ ભૂલોની માફી માંગવી જોઈએ. અને જ્યારે તમને કોઈની ભૂલો દેખાય, તો તરત જ યાદ કરવાનું કે એની ભૂલ નથી, આપણે એની ભૂલ જોઈ, એ જ આપણી ભૂલ છે. આવું કરશો તો મતભેદ નહીં થાય, અને તમે પણ પ્રેમ સ્વરૂપ બની જશો.
Moral Story - શુદ્ધ પ્રેમ, યુનિક પ્રોમિસ
Magazine - સાચો પ્રેમ
Videos - Love