અંબાલાલભાઈની સમજણમાં આવેલ પરિવર્તન



એક અનુભવ...એક દિવસ અંબાલાલભાઈએ એમના મોટા ભાઈની ઘોડી પર સવારી કરીને ભાદરણના ખેતરોમાં જવાનું નક્કી કર્યું પણ આમ કરવા જતા એ ઘોડી પરથી પડી ગયા.

જ્યારે એ મોટાભાઈને આની ફરિયાદ કરવા ગયા ત્યારે એમણે કહ્યું કે, “આટલી ઉંચી નસલની ઘોડી એમ કંઈ પાડે નહી. ચોક્કસ તને જ ઘોડેસવારી કરતા આવડ્યું નહી હોય.”

અંબાલાલભાઈએ તરત પોતાની ભૂલ સ્વીકારી લીધી અને કહ્યું કે, “ભાઈની વાત સાચી છે. ઘોડી વળી શા માટે મને પાડે? ઘોડેસવારી કરવાની મારી બિનઆવડત ના કારણે હું પડી ગયો. એટલે આમાં ઘોડીનો વાંક તો ના જ ગણાય ને?

ઘોડીએ મને સરસ પાઠ ભણાવ્યો. જયારે આપણે કોઈ કામ કરવા માટે અસમર્થ હોઈએ કે આપણું ધાર્યું ના થાય ત્યારે આપણે બીજાનો દોષ કાઢીને પોતાની ભૂલને ઢાંકી દઈએ છીએ. જો આપણે પોતાની ભૂલો જોતા શીખી જઈએ તો ચોક્કસ જીવનમાં પ્રગતિ કરી શકીએ.

અંબાલાલ કહેતા કે જે કોઈ આપણી સમજણ વધારવામાં મદદરૂપ થાય (આપણને કંઈક નવું શીખવાડી જાય) એ બધા આપણા ગુરુ જ કહેવાય. પોતાના આવા જ ઉમદા વિચારો અને ઊંડી સમજણના કારણે તેઓ આખા જગતના શિષ્ય બનવા માટે તૈયાર હતા.