રીસાવાથી થાય નુકશાન



મણિભાઈ અંબાલાલના મોટા ભાઈ હતાં. તેઓ અંબાલાલ કરતાં ઉંમરમાં ઘણાં મોટા હતાં. માટે જયારે મણિભાઈના લગ્ન થયા ત્યારે અંબાલાલ નાની ઉંમરના હતા. એમના ભાભી પણ ઉંમરમાં નાના જ હતા. અંબાલાલને ઘરમાં પોતાનું ચલણ ચલાવવું હતું. એક દિવસ સવારે દૂધ પીવાના સમયે તેઓ જીદે ચઢ્યા.

એમણે પોતાની માતાને ભાભી કરતા પોતાને વધારે દૂધ આપવા કહ્યું. અંબાલાલની માતાએ એમને શાંતિથી સમજાવ્યું કે ભાભી ને જેટલું દૂધ મળશે એટલું એમને પણ મળશે, વધારે નહીં.

જ્યારે અંબાલાલ પોતાને વધારે દૂધ મળવું જ જોઈએ એવો આગ્રહ કરવા લાગ્યા ત્યારે એમની માતાએ પ્રેમથી સમજાવ્યું , “હું એને ઓછું દૂધ આપું તો એને દુ:ખ ના થાય? તારી સંભાળ લેવા માટે તો તારી માતા અહીંયા હાજર છે પણ એની માતા અહીંયા હાજર નથી. એને દુ:ખ થાય એવું કામ મારાથી કેવી રીતે થાય? હું તો તમને બંનેને એકસરખું જ દૂધ આપીશ

અંબાલાલે રિસાઈને ગુસ્સાથી કહી દીધું કે, “ના, જો તમે મને વધારે દૂધ નહીં આપો તો મારે દૂધ પીવું જ નથી. હું તો જાઉં છું.” ઝવેરબા એમને મનાવવા માટે એમની પાછળ ના ગયા. એટલે થોડીવાર પછી અંબાલાલને વધારે અકળામણ થવા લાગી.

એમણે તારણ કાઢ્યું કે રિસાવાથી પોતાને ફાયદો કેટલો થયો અને નુકશાન કેટલું થયું? પોતાની રૂમમાં આખો દિવસ એકલા બેસી રહેવાથી એમણે પોતાના ભાગનું દૂધ તો ગુમાવ્યું જ પણ બધા સાથે હસવા-બોલવાનું, રમવાનું, સ્કૂલ જવાનું એ બધું પણ ગુમાવ્યું !

અંબાલાલને પોતાની ભૂલ સમજાઈ ગઈ - "રિસાવાથી મને જ નુકસાન થયું." એ દિવસ પછી તેઓ કોઈ દિવસ રિસાયા નહોતા.