પૉઝિટિવ દ્રષ્ટિ

એક ગુરુને બે શિષ્યો હતા. એમાંથી એકની દ્રષ્ટિ સારી અને પૉઝિટિવ હતી. અને તે હંમેશા જે પણ જોતો એમાંથી સારું શોધી કાઢતો. જયારે બીજાની દ્રષ્ટિ ખરાબ અને નેગેટિવ હતી. એ હંમેશા જે જોતો એમાંથી ભૂલો અને નેગેટિવ શોધી કાઢતો.

એક દિવસ ગુરુજી બંને શિષ્યો સાથે બગીચામાં ફરવા ગયા અને ત્યાં બગીચામાં ફરતા ફરતા તેઓ એક આંબાના ઝાડ પાસે આવી પહોંચ્યા. એમણે આંબાના ઝાડ પર પાકી અને રસદાર કેરીઓ લટકતી જોઈ. આ જોતા ગુરુએ પોતાના બંને શિષ્યોની એક્ઝામ લેવાનું વિચાર્યું. તેથી તેમણે બંનેને પોતાની પાસે બોલાવી, કેરીઓથી ભરેલા ઝાડને ખુબ ધ્યાનથી જોવાનું કહ્યું. પછી તેમણે પહેલા શિષ્યને પૂછયું, "મારા વ્હાલા શિષ્ય, આ આંબાના ઝાડ વિશે તારો શું વિચાર છે ?"

શિષ્યએ તરત જ જવાબ આપ્યો, "ગુરુજી, લોકો પથ્થરથી ઝાડને મારે છે છતાં તે આપણને મીઠી અને રસદાર કેરીઓ આપે છે. પોતાને દુઃખ થાય છે છતાં આપણને ફળ આપે છે. હું ઈચ્છું છું કે બધા માણસો આંબાના ઝાડ પાસેથી શીખે અને પોતાની વસ્તુઓ બીજા લોકોને આપે. પછી ભલે તેમને થોડી તકલીફ સહન કરવી પડે."

પછી ગુરુએ એ જ પ્રશ્ન બીજા શિષ્યને પૂછ્યો, "મારા વ્હાલા શિષ્ય, આ આંબાના ઝાડ વિશે તારો શું વિચાર છે ?" શિષ્યએ તરત જ ગુસ્સામાં જવાબ આપ્યો, "ગુરુજી, આ આંબાનું ઝાડ સારું નથી અને તે પોતાની જાતે કેરીઓ આપશે નહીં, પણ આપણે જયારે તેને પથ્થર અને લાકડીઓથી મારીશું ત્યારે જ તે આપણને કેરીઓ આપશે. તેથી તેની પાસેથી કેરીઓ મેળવવાનો આ એક જ રસ્તો છે. આ ઝાડ પરથી સાબિત થાય છે કે બીજા પાસેથી ફળ મેળવવા આપણે હિંસક બનવું જોઈએ. અને જો આપણે હિંસક થઈશું તો જ આપણને સુખ મળશે.

ગુરુ પહેલા શિષ્યના જવાબથી ખુબ ખુશ થયા કારણ કે તેની પાસે સારી દ્રષ્ટિ હતી અને તેણે ઝાડની પોઝીટીવ દ્રષ્ટિથી પ્રશંસા કરી હતી. જયારે બીજી બાજુ બીજા શિષ્યના જવાબથી તેમને અસંતોષ થયો કારણ કે તેણે ઝાડને નેગેટિવ દ્રષ્ટિથી જોયું અને ફળ મેળવવા માટે ખોટો રસ્તો લેવા પર ભાર મૂક્યો હતો. તેમણે પહેલા શિષ્યને હૃદયપૂર્વક પોતાના આશીર્વાદ આપ્યા.

જોયું મિત્રો, પરિસ્થિતિ એક સરખી હોવા છતાં આપણે તેને કઈ રીતે જોઈએ છીએ, અને બીજા માટે આપણે કેવું વિચારીએ છીએ, તેનો ખ્યાલ આવે છે. ચાલો, આપણે સુંદર ગુલાબના ફૂલોનું એક ઉદાહરણ જોઈએ, કે જે કાંટાઓથી ઘેરાયેલા હોય છે. ખરાબ દ્રષ્ટિવાળી વ્યક્તિ કહેશે, "હે ભગવાન, આવા સુંદર ગુલાબ પણ કાંટાઓથી ઘેરાયેલા છે". જયારે સરસ દ્રષ્ટિવાળી વ્યક્તિ કહેશે, "અદ્દભુત, કુદરતની રચના કેવી સુંદર છે - કાંટાઓની વચ્ચે એક સુંદર ગુલાબ!"

આપણે હંમેશા એવી દ્રષ્ટિ કેળવવી જોઈએ કે જે ખરાબ વસ્તુ કે વ્યક્તિમાંથી પણ કંઈક સારું શોધી કાઢે. આમ કરવાથી તમારું મન અને બુદ્ધિ ધીમે ધીમે શુદ્ધ થતા જશે.

બોધ : જીવનમાં પૉઝિટિવિટી સૌથી વધારે શક્તિશાળી હોય છે. જે દરેક પરિસ્થિતિમાં પૉઝિટિવ રહે છે, તેને સફળતા મળે છે. ઘણી પ્રખ્યાત વ્યક્તિઓમાં એક કે વધારે નબળાઈઓ હોવા છતાં પણ તેઓ પોતાની જાત માટે, બીજાઓ માટે અને દરેક પરિસ્થિતિઓ માટે કાયમ પૉઝિટિવ રહયા અને તેથી જ બધી જ મુશ્કેલીનો સામનો કરીને સફળતા મેળવી શક્યા. આપણા મનમાં જો બીજા માટે થોડુંક પણ નેગેટિવિટીરૂપી ઝેર હશે તો તેમની સાથેના આપણા સંબંધો ખરાબ થઇ જશે. દરેક વ્યક્તિમાં કંઇક તો પ્રશંસનીય હોય જ, આપણે ફક્ત પૉઝિટિવ દ્રષ્ટિ રાખવાની અને બીજાની પ્રશંસા કરવાનો ગુણ કેળવવાની જ જરૂર છે.

Related Links:

Magazine on નેગેટિવિટીથી પોઝીટીવીટી તરફ

Mythological story : મહર્ષિ અરવિંદની પોઝીટીવ દ્રષ્ટિ