માફી માંગવાથી આનંદ

ક્ષિતિપ્રતિષ્ઠા નામનું નગર હતું. તેના રાજાનું નામ પૃથ્વીપાળ હતું. રાજા એક વાર શિકારે નીકળ્યા. એમણે મોરનો શિકાર કરવા બાણ છોડ્યું. બાણ વાગતાં જ ઝાડ ઉપર બેઠેલો મોર ચીસ સાથે ભોંય પર પડ્યો. તીર શરીરમાં ખૂંપી ગયું પણ પ્રાણ હજુ ગયો નહોતો. તીરના ઘાથી મોર જીવન-મરણ વચ્ચે તરફડિયા ખાતો હતો. મોરના મૃત્યુની કારમી વેદના જોઈ રાજાને ખૂબ દુઃખ થયું, 'અરેરે ! મેં આ કેવું ખરાબ કામ કર્યું !મેં નિર્દોષ જીવને તીરથી વીંધી નાખ્યો. આ રીતે કોઈ મારાથી બળવાન માણસ કે પશુ મને વીંધી કે ફાડી નાખે તો મારી હાલત આ મોર જેવી જ થાયને.'

રાજા મોર પાસે ગયો. હળવેકથી તીર ખેંચી લીધું અને લોહી બંધ કરવાનો પ્રયત્ન કર્યો. મોરને પંપાળી તેની ક્ષમા માંગવા લાગ્યો. રાજાની સારવાર અને પ્રેમથી મોરને શાંતિ લાગી અને શુભ્ધ્યાન કરવા લાગ્યો. થોડીવારમાં જ તે મૃત્યુ પામ્યો. શુભધ્યાનમાં મૃત્યુ થવાના કારણે એ વિશાળપુર નગરમાં મનુષ્યરૂપે જન્મ પામ્યો. એક દિવસ રાજાએ એક મુનીરાજને એક શિલા ઉપર બેઠેલા જોયા. રાજા એમની પાસે ગયા. મુનિએ એમને ઉપદેશ આપ્યો કે, "જીવદયા ધર્મની માતા જ છે" આ સાંભળી રાજાએ તરત જ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. મહેલમાં પાછા ફરી પૃથ્વીરાજ રાજાએ જાળ, ધનુષ્યબાણ જેવા જીવહિંસાના તમામ સાધનો બાળી નાખ્યા. શ્રાવકધર્મનું પાલન કરતાં કરતાં તેઓ મૃત્યુ પામી વિશાળપુર નગરમાં જ સુનંદ નામે ખૂબ શ્રીમંત અને ધનાઢ્ય વેપારી થયા.

આ બાજુ મોરનો જીવ પણ વિશાળપુર નગરમાં જ મનુષ્યભવ પામ્યો હતો, જે રાજાનો સેવક હતો. એક દિવસ તે સેવકે સુનંદ વેપારીને જોયો. પૂર્વભવના સંસ્કારથી સુનંદને જોતાં જ સેવકના મનમાં એની હત્યા કરવાનો વિચાર આવ્યો અને તે દિવસથી સેવક સુનંદની હત્યા કરવાની તક જોવા લાગ્યો.થોડા દિવસ બાદ સેવકે રાણીનો રત્નહાર ચોરી લીધો અને જ્યાં સુનંદ ધ્યાનમાં બેઠો હતો, ત્યાં જઈ ચોરેલો હાર કાળજીપૂર્વક સુનંદનાં ગળામાં પહેરાવી દીધો. આ બાજુ રાણીને રત્નહાર ગુમ થયાની જાણ થઈ. રાજાએ તરત જ સેવકોને ઘરે ઘરે જડતી લેવા મોકલ્યા. સેવક સૈનિકોને લઈને સુનંદ પાસે આવ્યો. સુનંદ તો ધ્યાનમાં તલ્લીન હતો. ગળામાં રત્નહાર પહેરેલો હતો. રાજસેવકો એને બાંધીને રાજા પાસે લઈ ગયા.

રાજાએ સુનંદને હાર વિશે પૂછ્યું. સુનંદે કોઈ જવાબ ન આપ્યો. રાજાએ ગુસ્સે થઈ સુનંદનો વધ કરવા હુકમ કર્યો. બીજે દિવસે રાજાની આજ્ઞાથી પેલો સેવક જેવો સુનંદનો વધ કરવા તલવાર ઉપાડે છે ત્યાં તો તલવારના ટુકડે-ટકડા થઈ ગયા. આ જોઈ બધા અચરજ પામી ગયા. બીજા સેવકોએ પણ પોતપોતાના હથિયારથી ઘા ઉગામવાના પ્રયત્નો કર્યા, પણ દરેક શસ્ત્રના ટુકડે-ટુકડા થઈ ગયા. અંતે આ હકીકત રાજાને જણાવી. આ સાંભળી રાજા તરત જ ત્યાં આવ્યા અને સુનંદને છોડી દેવાની આજ્ઞા આપી. મુક્તિ મળતાં જ સુનંદ પોતાને ઘેર ગયો અને પરવારીને રાજા પાસે આવ્યો. અને વિનયથી કહ્યું, "રાજન, હું શ્રાવક છું. અમે કદી ચોરી નથી કરતાં. આવાં તો ઘણા રત્નહાર મારા ભંડારોમાં છે." રાજા સુનંદની સાથે ગયા. એનો ધનભંડાર જોઈ રાજા અજાયબી પામ્યા. રાણીના રત્નહાર કરતાં પણ કીમતી હાર એના ભંડારમાં હતા. છેવટે સુનંદે રાજાને કહ્યું, " રાજન, કાલે મારે પર્વનો દિવસ હતો. તે દિવસે હું કંઈ પણ આભુષણ વિશે વાત કરી શકું નહી. તેથી તમે હાર વિશે પૂછ્યું, ત્યારે મેં તમને કોઈ જવાબ ન આપ્યો. " આ સાંભળી રાજાને સુનંદ માટે માન થયું.

સમય જતાં સુનંદે પોતાનો કારભાર પુત્રને સોંપી દીક્ષા લીધી. કાળક્રમે એમને કેવળજ્ઞાન થયું. તેઓ વિહાર કરતાં કરતાં વિશાળપુર નગરીમાં પધાર્યા. પેલો સેવક એમને જોઈ ફરી દુષ્ટ વિચારો કરવા લાગ્યો. આ જોઈ સુનંદ કેવળીએ પેલા સેવકને ઉપદેશ આપ્યો, "તું પૂર્વભવે મોર હતો. મારા છોડેલા બાણથી તું મૃત્યુ પામ્યો હતો. હવે તું મનુષ્ય ભવ પામ્યો છે, તો તું આવા દુષ્કૃત્યો છોડી દે. આવાં કામો તને સંસારમાં રઝળાવશે."

આ રીતે મોરનો જીવ પોતાની ભૂલનો પસ્તાવો કરી સુનંદ સાથેના વેરમાંથી છુટી ગયો અને કલ્યાણના માર્ગે આગળ વધ્યો.

જોયું મિત્રો, દિલથી કરેલા પસ્તાવાથી ગમે એવું વેર પણ છુટી જઈ શકે છે.