રાજા ભરત

ભરતરાજાની આ વાત છે. ઋષભદેવ ભગવાનને સો પુત્રો હતા. એમાં ભરતરાજા સૌથી મોટા પુત્ર હતા. ભરત, ચક્રવર્તી રાજા કહેવાતા. ચક્રવર્તી રાજા એટલે જેના વૈભવ-વિલાસની કોઈ સીમા જ ન હોય. સંસાર સંબંધી બધા જ પ્રકારના સુખો એમને પ્રાપ્ત હોય. એમની અશ્વશાળામાં અનેક પ્રકારના ચતુર અને તેજી ઘોડા હતા. ગજશાળામાં તાકાતવર હાથીઓ હતા. એમને કોઈ દુશ્મન હરાવી શકે તેમ ન હતું. તેઓનું રૂપ, કાંતિ અને સૌંદર્ય મનોહર હતા. એમના અંગમાં મહાન બળ અને શક્તિ ઉછળતા હતા.

જૈન વૈભવ-વિલાસ, શક્તિ, સૈન્યદળ, નગરની કોઈ તુલના જ ના કરી શકાય તેવા રાજ રાજેશ્વર ભરત એક દિવસ પોતાના સુંદર મહેલના અરીસા ભુવનમાં મનોહર સિંહાસન પર વસ્ત્રો અને આભૂષણો (ઘરેણા) થી સુશોભિત થઈ બેઠા હતા. અરીસા ભુવન એટલે આપણો ડ્રેસીંગ રૂમ જ્યાં આપણે તૈયાર થઈએ. આપણાં ડ્રેસીંગ રૂમમાં તો એક જ અરીસો હોય, જ્યારે આ તો ચક્રવર્તી રાજા ભરતનો ડ્રેસીંગ રૂમ એટલે આખો ભવન અરીસાથી જ ભરેલો હતો. જ્યાં જોઈએ ત્યાં આપણું પ્રતિબિંબ દેખાય. હવે આ અરીસા ભુવનમાં બેસી રાજા અરીસામાં પોતાને જોઈ રહ્યા હતા. તેવામાં એમની દ્રષ્ટિ એમના જમણા હાથની ત્રીજી આંગળી પર પડી. આંગળી શોભા વિનાની કેમ દેખાય છે? જોતાં ખ્યાલ આવ્યો કે આંગળીમાંથી વીંટી સરી પડી છે. તેઓ વિચારવા લાગ્યા કે, 'વિંટીના આધારે આંગળીની શોભા છે કે આંગળીના આધારે વીંટીની શોભા છે?' આમ વિચારતા વિચારતા ધીમે ધીમે એમણે બાકીની નવ આંગળીઓમાંથી વીંટી કાઢી લીધી. પછી જોયું તો વીંટીઓ વિના આંગળીઓ જોવી એ ગમતી ન હતી. એ જોઈને ભરતરાજા વિચારવા લાગ્યા, 'અહો ! આ કેવી વિચિત્રતા છે ? સોનાની ધાતુ ટીપીને આ વીંટી બની છે અને એ વીંટી વડે મારી આંગળી સુંદર દેખાય છે. અને આંગળીમાંથી વીંટી નીકળી પડતાં આ આંગળીઓની શોભા ઓછી થઈ ગઈ. આ આંગળી વડે હાથ શોભે છે અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું ? મારા દેહની કે વીંટીની ?' તેઓ અતિ વિસ્મય પામ્યા અને અવિરત વિચારણા ચાલુ થઈ ગઈ.

"જે શરીરને હું મારું માનું છું તે શરીર માત્ર વસ્ત્ર અને આભૂષણોના કારણે જ શોભે છે. મારા શરીરની તો કોઈ શોભા જ નહીં ? સાચી જ તો વાત છે. શોભા હોય પણ ક્યાંથી? આ શરીર તો માત્ર લોહી, પરુ, હાડ અને માંસનો મળો જ છે. તેને હું મારું માનું છું. કેવી ભૂલ, કેવી વિચિત્રતા ! જ્યાં આ દેહ જ મારો નથી ત્યાં આ રાજ-વૈભવ કેવી રીતે મારા હોય શકે ? ચક્રવર્તીપણું પણ મારું ન હોય. અને આ દેહ પણ એક દિવસ મૃત્યુ પામવાનો છે. તો તેમાં મારાપણું શું રાખવું ? અહો ! હું બહુ ભૂલી ગયો ! જે શરીરથી હું આ રાજ-વૈભવ ભોગવું છું તે વસ્તુ જ મારી ના થઈ, એનાથી મોટું દુઃખ ક્યું કહેવાય ?"

આમ વિચાર કરતાં કરતાં ભરત રાજાનો બધો મોહ ઊતરી ગયો અને વૈરાગ્ય આવ્યો. એમનું અજ્ઞાનરૂપી આવરણ દૂર થયું અને અરીસા ભુવનમાં જ એમને કેવળજ્ઞાન પ્રગટ થયું.

માટે મિત્રો, દેહ ઉપર મોહ કરવા જેવો નથી.એને રૂપાળો કરવામાં સમય બગાડવા જેવો નહીં. એ ક્યારેય આપણો થાય એવો નથી. જ્ઞાનીપુરુષ મળ્યા છે તો એમની પાસેથી આત્મા પ્રાપ્ત કરી આ દેહે મોક્ષનું કામ કાઢી લેવા જેવું છે.