શ્રેણિક રાજા

પ્રસેનજીત નામે મગધ દેશના રાજા હતા. તેમને સો પુત્રો હતા. આ સો પુત્રોમાંથી, શ્રેણિક ખૂબ બુદ્ધિશાળી અને પરાક્રમી હતા. બધા રાજકુંવરોમાં એ રૂપથી અને ગુણથી જુદા તરી આવતા. એક વખત રાજા પ્રસેનજીતે બધા જ રાજકુંવરોની પરીક્ષા લેવાનું વિચાર્યું.

રાજાએ એક મોટા મંડપમાં બધા રાજકુમારોને ભેગા કર્યા અને જમવા બેસાડ્યા. સહુની થાળી પીરસાઈ ગઈ. થોડી જ વારમાં રાજાએ એક સંકેત કર્યો અને ત્યાં શિકારી કૂતરાઓ આવી ચડ્યા. ભયંકર કૂતરાઓને આવતા જોઈ, બીજા કુમારો તો નાસી ગયા. પણ રાજકુમાર શ્રેણિક તો બહુ જ બુદ્ધિશાળી હતા. તેઓ શાંતિથી ત્યાં બેસી રહ્યા. એમણે બીજા રાજકુમારોની થાળી કૂતરાઓ પાસે ધકેલી દીધી. કૂતરાઓ બીજા રાજકુમારોની થાળીઓમાંથી ખાવા લાગ્યા. તેટલી વારમાં શ્રેણિકે શાંતિથી ખાઈ લીધું.

રાજાએ બીજી પરીક્ષા લીધી. એમણે ખાજા-પૂરી ભરેલા કોથળા તૈયાર કરાવ્યા. બધા કોથળા સીવીને ઢાંકી દીધાં. ત્યાર બાદ માટીના કુંજાઓ તૈયાર કરાવ્યા. એમાં પાણી ભરાવ્યું અને કુંજોઓનું મોં સીવી દીધું. આ બધું એમણે એક ઓરડામાં મૂકી દેવડાવ્યું. પછી સોએ પુત્રોને કહ્યું, “દીકરાઓ, આજનો આખો દિવસ અને રાત તમારે આ ઓરડામાં જ રહેવાનું છે. ભૂખ લાગે ત્યારે આ કોથળાને ખોલ્યા વિના ખાઈ લેવાનું અને તરસ લાગે ત્યારે આ કુંજાને ખોલ્યા વિના પાણી પી લેવાનું. પણ ભૂખ્યા કે તરસ્યા રહેતા નહીં.” આ વાત સાંભળીને બધા કુમારો તો વિચારમાં પડી ગયા કે હવે શું કરવું ? કેમ ખાવું ? અંતે કોઈ ઉપાય ન મળતા બધા એમને એમ બેસી રહ્યા.

પરંતુ, શ્રેણિક રાજકુમાર તો એમ ને એમ બેસી રહે એવા ક્યાં હતા ?! એમણે એક યુક્તિ કરી.  એમણે એક કોથળાને ભીંત સાથે અથડાવ્યો. અથડાવાની સાથે જ અંદરના ખાજા-પૂરીનો ભૂક્કો થઈ ગયો. કોથળાને હલાવી હલાવી કોથળાની તીરાડમાંથી જે ભૂક્કો બહાર નીકળ્યો તે બધા રાજકુમારોને વહેંચી દીધો. આ રીતે શ્રેણીકે બધાનું પેટ ભર્યું.

પછી, પાણીથી ભરેલા નવા કુંજા ઉપર કપડું વીંટી દીધું. કુંજા માટીના હોવાથી તેમાંથી ઝરતાં પાણીને લીધે આ કપડું થોડાક જ વખતમાં ભીનું થઈ ગયું.  કપડું નીચોવીને તેમણે પાણી બહાર કાઢ્યું. પોતે પીધું અને અન્ય રાજકુમારોને પણ પીવડાવ્યું.

રાજા પ્રસેનજીતને ખ્યાલ આવી ગયો કે પોતાના બધા જ રાજકુમારોમાંથી સહુથી બુદ્ધિશાળી કોણ છે ! આમ, ગમે તેવી અઘરી પરિસ્થિતિમાં, રાજકુમાર શ્રેણિક ગૂંચાયા કે ગભરાયા વગર ઉપાય શોધી લેતા અને સરળતાથી એમાંથી બહાર નીકળી જતા.