જય સચ્ચિદાનંદ મિત્રો!
આપણે હંમેશા કોઈકની ને કોઈકની મશ્કરી કરીને મજા કરતા હોઈએ છીએ. આપણે આવું કરીએ ત્યારે સામાને દુઃખ થાય છે તેનું પણ ધ્યાન નથી રહેતું. બસ આપણી જ મસ્તીમાં હોઈએ છીએ. આપણે મજા કરવામાં એટલા ડૂબી જઈએ છીએ કે આપણને એવો ખ્યાલ જ નથી રહેતો કે સામી વ્યક્તિની અંદર ભગવાન બેઠા છે.
બીજાની મશ્કરી કરવી એ તો આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યો કહેવાય.
શું તમે ક્યારેય ઘરે કે સ્કૂલમાં તમારા આસપાસના લોકોને ‘ગધેડો, વાંદરો, ઉલ્લુ, લલ્લુ’ કહીને ચીડવ્યા છે? જો તમે આવું કર્યું હોય, તો હવે તમારે એના પરિણામો વિશે સમજી લેવું જોઈએ!
મશ્કરીના જોખમો
1. દાદાશ્રી કહે છે કે,કોઈની મશ્કરી કરીએ તો એની અંદર બેઠેલા ભગવાન આપણી મશ્કરીની નોંધ લે અને પછી આપણે એનો હિસાબ પૂરો કરવો પડે.
2. આ બધી મોટી મોટી હોસ્પિટલો બંધાઈ છે એનું કારણ જ મશ્કરી છે. આ બધાં લોકોને જે બધાં અંગો વાંકા-ચૂકા હોય છે, તે મશ્કરી કરી હોય તેના કારણે હોય છે.
હવે પાછા કેવી રીતે વળવું?
તમે ક્યારેય પણ કોઈની મશ્કરી કરવાની ભૂલ કરી હોય, તો તમે તેની માફી માંગીને તે ગુનો ધોઈ શકો છો. આટલું જ બોલજો તોય ચાલશે કે “હે દાદા, આપની સાક્ષીએ, બીજાને ખરાબ શબ્દો બોલીને દુઃખ આપ્યું તેની હું દિલથી માફી માંગું છું.”