હાઈ મિત્રો !
એક પ્રશ્ન પૂછું ? મમ્મી-પપ્પા અને ભાઈ બહેન પછી, તમને સૌથી વહાલું કોણ ?
તમારા મિત્રો ! હેં ને ! આપણા મિત્રો જ આપણી દુનિયા છે ને !? કેમ ખબર છે ? કારણકે આપણી બધી જ મસ્તી ધમાલ અને જરૂરિયાતો વખતે આપણા મિત્રો જ આપણી સાથે હોય છે !
તો પ્રશ્ન એ થાય કે સાચો મિત્ર કોણ હોય ?
સાચો મિત્ર તો એ જેના વગર આપણને ગમે જ નહીં. આપણા મિત્રો જ આપણી પોતાની પસંદગીનો ‘પરિવાર’ હોય છે. સારો મિત્ર મળવો એ તો નસીબની વાત છે, પણ એ મિત્રતાને ટકાવી રાખવી એ પણ એક કળા જ છે. એ કળા આપણે શીખવી જોઈએ.
સાચી મિત્રતા તો સાચા પ્રેમથી જ ટકે છે. એ પ્રેમ એટલે કે જેમાં કોઈ શરતો કે બદલાની આશા ના હોય, એવો સાચો પ્રેમ.
તમને શું લાગે છે, નીચેના દાખલાઓ જોઈને વિચારો કે શું આવી મિત્રતા લાંબુ ટકી શકશે?

આ રમકડાં અને બુક્સ મારા છે. હું તારી સાથે શેર નહિ કરું.
તને ખબર છે એ બહુ સ્વાર્થી છે. આપણે એમની સાથે નથી રમવું.
સોરી! તું મારી છત્રી ના વાપર. વરસાદ પડે છે અને હું ભીનો થઈ જઈશ. તે ગઈ કાલે પણ મારી સાથે આવું જ કર્યું હતું.
હેય! હું તને તારા ગણિતના દાખલાને સોલ્વ કરવામાં તો જ મદદ કરીશ જો તું મારું સાયન્સ અસાઇનમેન્ટ કરીશ.
જવાબ તો સાફ છે. ના!
મિત્રતા ત્યારે જ ટકે જ્યારે:
· આપણને જે નથી ગમતું તેવો વ્યવહાર આપણે મિત્ર સાથે ન કરીએ.
· અમુક નાની નાની બાબતોને આપણે જતી કરીએ અને ઝગડા ન કરીએ
· આપણા મિત્રના ગુણો પર લક્ષ રાખીને તેની અમુક ખામીઓ સ્વીકારી લઈએ
· આપણી મિત્રતામાં કોઈ શરતો ના હોય
ઈતિહાસમાં અનેક એવી ‘ફ્રેન્ડશીપ’ના દાખલા છે જેમ કે ‘શ્રી કૃષ્ણ અને સુદામા’, ‘દુર્યોધન અને કર્ણ’ વિગેરે. તમને તમારા મનપસંદ કાર્ટુનની પણ મિત્રતા ખબર જ છે જેમ કે ‘ટીમોન અને પુમ્બા’ (બન્ને જણ એક બીજાની અમુક ખામીઓ/આદતોને ભૂલીને, એકબીજાને જેવા છે તેવા જ સ્વીકાર્યા), પછી ‘ફાઈન્ડીંગ નીમો’ ના માર્લીન અને ડોરી (જે હંમેશા એકબીજાને મદદ કરવા દરેક પરિસ્થિતિમાં હાજર જ હોય), આપણા જાણીતા ‘મિકી માઉસ અને પ્લુટો’ (મુશ્કેલીના સમયમાં પણ તેમની મિત્રતા અડગ હતી). આવા કેટલાય દાખલા છે.
આવી જ મિત્રતા આપણે પણ કેળવી શકીએ છીએ, એ કંઈ જાદુ નથી એમાં ! પણ એના માટે આપણે પહેલા એક પગલું લેવું પડે: પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ”સંસારમાં બીજું કશું ના આવડે એનો વાંધો નથી, પણ એડજસ્ટ થતાં તો આવડવું જ જોઈએ. દરેકએ દરેક વ્યક્તિ સાથે એડજસ્ટ થવું એ આપણો અંતિમ ધ્યેય હોવો જોઈએ.”
હંમેશા યાદ રાખજો, તમે સ્કૂલની બધી જ પરીક્ષા પહેલા નંબરે પાસ ભલે કરો પણ ‘મિત્રતાની પરીક્ષા’ તો ત્યારે જ પાસ કરશો જ્યારે એ તમારી સાથે એડજસ્ટ ન થાય તો પણ તમે તમારા બધાં જ મિત્રો સાથે સરસ એડજસ્ટ થાઓ.

Related links
Story - સાચી મિત્રતા
Mythological story - કૃષ્ણ – સુદામાની મિત્રતા
Videos - મિત્રતા