ડૅર ટુ ડ્રિમ

“આ વર્ષનો ‘આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઓફ ધ યર’ નો અવોર્ડ જાય છે, સિક્સ્થ ગ્રેડના ધ્યાન દીક્ષિતને…”

એનાઉન્સ થતાં જ હૉલ તાળીઓના ગડ્ગડાટથી ગાજી ઊઠ્યો. ધ્યાને પ્રિન્સિપાલ સર પાસેથી અવોર્ડ લીધો અને અચાનક કોઈએ ધ્યાનને પાછળથી ધક્કો માર્યો. અવોર્ડ ધ્યાનના કપાળે વાગ્યો. અચાનક તાળીઓનો અવાજ છોકરાઓના હસવાના અવાજમાં બદલાઈ ગયો. ધ્યાને કપાળ પંપાળતા આજુ-બાજુ જોયું! સ્કૂલ બસ ઊભી રહી હતી અને ધ્યાનનું કપાળ આગળની સીટના સળિયા સાથે અથડાયુ હતું. ફરી એકવાર એ દિવાસ્વપ્ન જોઈ રહ્યો હતો. એણે બેગ ઊપાડી અને બસમાંથી ઊતરીને ઘરે ગયો. એણે જેમ-તેમ બેગ મૂકી અને શુઝ ઉતાર્યા. પોતાના ફેવરીટ વ્યક્તિનો અવાજ એણે ઓળખી લીધો. એકદમ ખુશ થઈને સ્માઈલ સાથે એણે બૂમ પાડી. “નાની...નાની...!” ધ્યાન એના નાનીમા તરફ દોડ્યો અને એમને ગળે વળગી ગયો. ઘણા લાંબા સમય પછી એ નાનીને મળ્યો હતો. બધા ફેમિલી મેમ્બર્સે નાની સાથે સુંદર સમય પસાર કર્યો.

એકલા પડ્યા એટલે તરત નાનીએ પૂછ્યું, “આજે સ્કુલથી આવ્યો ત્યારે તુ ઉદાસ કેમ હતો ? સ્કૂલમાં કંઈ થયું હતું?” “હા.” ધ્યાને જવાબ આપતા કહ્યું. “બધા લોકો જે ઈચ્છે એવું એ કરી ના શકે, નહીં? બધા પાસે એટલી કેપેસીટી ના હોય ને?”

નાનીએ વાત બદલતા કહ્યું, “એવું જરૂરી નથી. ચાલ, હું તને એક સ્ટોરી કહું. તારા જેટલો એક છોકરો હતો. એ પોતાના નેબરના ટેલિસ્કોપથી મુન અને સ્ટાર્સ જોતો. એકવાર એના પપ્પા એને એક એર-શો જોવા લઈ ગયા અને ત્યારે એને ચંદ્ર પર જવાના ભાવ થયા. તને ખબર છે એ છોકરો કોણ હતો? એ હતા નીલ આર્મસ્ટ્રોંગ, ચંદ્ર પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ!”

ધ્યાને શંકા સાથે કહ્યું, “વાઉ! એમનું સપનું સફળ થયું! પણ નાની, બધા તો એમના જેટલા લકી ના હોય ને!” નાનીએ જવાબ આપ્યો, “હા, પણ તને ખબર છે કે સફળતા મેળવનાર અનુભવી લોકોએ સક્સેસ ફોર્મ્યુલાના ત્રણ સ્ટેપ્સ કીધા છે. જો એને સિન્સીયરલી ફોલો કરવામાં આવે તો સપના જરૂર પૂરા થાય. નાનીએ ધ્યાનને સ્ટેપ્સની વાત કરતાં કહ્યું, ‘સ્ટેપ ૧ – તમારા સપના પૂરા કરવા માટે પહેલા તમારો ધ્યેય નક્કી કરો. સ્ટેપ 2 – પોતાની જાતને આત્મવિશ્વાસથી ભરી દો. સ્ટેપ ૩ – જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમારા પ્રયત્નો ચાલુ રાખો. અને છેલ્લે ભગવાન પર છોડી દો, જેને તુ લક કહે છે. તુ પણ આ સ્ટેપ્સ ટ્રાય કરી જોજે અને યાદ રાખજે તુ જેવું વિચારીશ એવું તને મળશે. ‘જેવું ચિંતવે એવું થાય!’.” નાની તો એમના ઘરે પાછા જતા રહ્યા પણ એમની સલાહ ધ્યાનને યાદ રહી અને એણે પોતાનો ધ્યેય નક્કી કર્યો. એને સાયન્સ સબ્જેક્ટ બહુ ગમતો પણ એ એને બહુ સમજાતો નહીં. સાયન્સમાં એના માર્ક્સ કાયમ ઓછા આવતા. એ પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરતો છતાં પણ યુનિટ ટેસ્ટમાં એના માર્ક્સ ઓછા જ આવતા. એણે વીકેન્ડમાં નાનીના ઘરે મૂકી જવા માટે મમ્મીને કહ્યું.

        ધ્યાનની મમ્મી એને નાનીના ઘરે મૂકી આવી. ધ્યાને નાની આગળ ગુસ્સો કાઢ્યો, “નાની, મને ખબર હતી કે હું એટલો કેપેબલ નથી. હું લૂઝર છું. કોઈ સાયન્સ સ્કોલરને જોઈને એવા બનવાનું હું ખાલી સપનું જ જોઈ શકું, ખરેખર બની ના શકું.” નાનીએ પ્રેમથી આઈસ્ક્રીમ ખવડાવીને એને ઠંડો પડ્યો. થોડીવાર પછી બન્ને આંટો મારવા નીકળ્યાં. 

નાનીએ વાત શરૂ કરી, “નિશ્ચય કરીને પછી શંકા નહીં કરવાની. શંકા કરવાથી અને નેગેટીવ વિચારવાથી કુદરતમાં એવું પ્રોગ્રામિંગ થાય અને આઉટપુટ પણ એવું જ આવે. તને સમજાય છે ને , બેટા? ચાલ, તને બીજા એક વ્યક્તિની વાત કહું. ફોરેનમાં એક ફાઈટર જેટ પ્લેનના પાઈલૉટ હતા. એમનું પ્લેન ક્રેશ થવાથી એમની હેલ્થ કન્ડિશન એકદમ ક્રિટિકલ થઈ ગઈ હતી. એમને મલ્ટીપલ ફ્રેક્ચર્સ થયા હતા અને સાથે-સાથે શરીરના મુખ્ય ગણાય એવા બધા જ અંગો ડેમેજ થઈ ગયા હતા. ઘણા બધા એક્સપર્ટ ડૉક્ટર્સે કહી દીધું હતું કે એ કદાચ બચી જાય તો પણ બાકીની જિંદગી પથારીવશ થઈને રહેશે, એ ક્યારેય ચાલી નહીં શકે! પણ પેલા પાઈલૉટનો વિલપાવર એકદમ સૉલિડ હતો! એમણે મનોમન નક્કી કરી લીધું હતું કે ક્રિસમસના દિવસે પોતે જાતે ચાલીને હોસ્પિટલની બહાર નીકળશે. અને ખરેખર એવું જ બન્યું! અને એ દૃશ્ય જોઈને આખો મેડીકલ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો!”

ધ્યાને આશ્ચર્ય સાથે કહ્યું, “વાઉ! રિયલી નાની?” નાનીએ કહ્યું, “હું તને એ જ સમજાવા માંગુ છું કે, તે તારો ગોલ સૅટ કરી લીધો પછી શા માટે બીજા વિચારો કરે છે?” ધ્યાને જરા વિચારીને જવાબ આપ્યો, “હા નાની, હવે મને તમારી વાત બરાબર સમજાઈ ગઈ છે. ઘણી મહેનત કર્યા પછી પણ મને શંકા થતી હતી કે જો હું એક્ઝામમાં બરાબર લખી નહીં શકું તો મારા સારા માર્ક્સ નહીં આવે. અને એવું જ થયું. હવે મને ખબર પડી ગઈ કે મારે એક્ઝેક્ટ્લી શું કરવાનું છે. “નાની, યુ આર જીનિયસ” કહીને ધ્યાને નાનીના વખાણ કર્યા.

“તુ પણ જીનીયસ જ છે”, નાનીએ ધ્યાનને ભેટીને કહ્યું. પ્રખ્યાત બિઝનેસમેન હેન્રી ફોર્ડે કહ્યું છે કે, “તમે એમ માનો કે તમે કરી શકો છો અને તમે માનો કે તમે નહીં કરી શકો તો એ બંને કેસમાં તમે સાચા જ છો! 

છ મહિના પછી…“આ વર્ષનો ‘આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઓફ ધ યર’ નો અવોર્ડ જાય છે ધ્યાન દીક્ષિતને...” એનાઉન્સમેન્ટ થતાં જ હૉલમાં હાજર લોકોએ તાળીઓના ગડ્ગડાટથી ધ્યાનને વધાવી લીધો. ધ્યાને પ્રિન્સિપલ સર પાસેથી અવોર્ડ લીધો અને ઓડિયન્સમાં એના પેરેન્ટ્સની સાથે બેઠેલા નાનીમા સામે જોયું. તાળીઓ પાડતા-પાડતા નાનીએ ધ્યાન સામે આંખ મિચકારીને એની પ્રશંસા કરી.

Related links-

મેગઝીન- નિશ્ચયની શક્તિ

મેગઝીન- પાવર ઓફ પોઝિટિવિટી